વ્યવસાયિક એજન્ટો માટેની નીતિ
વ્યવસાયિક એજન્ટો લોકોને ChatGPTમાં વાતચીત દ્વારા કોઈ વ્યવસાય અને તે પ્રદાન કરતી પ્રોડક્ટ્સ અને સેવાઓ વિશે જાણવામાં મદદ કરે છે. આ નીતિ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યવસાય અથવા તેનો અધિકૃત પ્રતિનિધિ એજન્ટ બનાવે, પ્રકાશિત કરે અથવા તેમાં ફેરફાર કરે, જેમાં તેઓ પ્રદાન કરે તે સૂચનાઓ, માહિતી, લિંક્સ, ફોર્મ્સ અને ટૂલ્સનો સમાવેશ થાય છે. વ્યવસાયોએ લાગુ કાયદાઓ અને નિયમો તેમજ OpenAIની ઉપયોગ નીતિઓ અને અન્ય સંબંધિત નીતિઓનું પાલન કરવું આવશ્યક છે, જેમાં ChatGPTમાં વ્યવસાયો અંગેની નીતિ અને પ્રોડક્ટ ફીડ્સ માટેની વાણિજ્ય નીતિઓ નો સમાવેશ થાય છે. જ્યારે કોઈ એજન્ટનો જાહેરાત દ્વારા પ્રચાર કરવામાં આવે ત્યારે વધારાની જાહેરાત નીતિઓ લાગુ પડી શકે છે.
પાત્ર વ્યવસાયને પ્રામાણિક રીતે રજૂ કરો
તમે જે વ્યવસાયના માલિક હોવ અથવા જેનું પ્રતિનિધિત્વ કરવા માટે અધિકૃત હોવ, ફક્ત તે જ વ્યવસાય માટે એજન્ટ બનાવો અથવા મેનેજ કરો. અન્ય વ્યવસાય હોવાનો ઢોંગ કરશો નહીં અથવા તેની માલિકી, જોડાણ, લાયકાતો અથવા મંજૂરીઓ અંગે ખોટી રજૂઆત કરશો નહીં. એજન્ટે સ્પષ્ટ કરવું આવશ્યક છે કે તે વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરતું AI છે; તે સ્વતંત્ર સલાહકાર કે મનુષ્ય હોય અથવા તેને OpenAIનું સમર્થન મળ્યું હોય એવું દર્શાવશો નહીં. માહિતી જાહેર કરવાની કોઈપણ આવશ્યકતાઓનું પાલન કરો. પ્રકાશનની મંજૂરી આપતાં પહેલાં અમે વ્યવસાયની શ્રેણી અને એજન્ટના નિર્ધારિત ઉપયોગ બંનેને ધ્યાનમાં લઈએ છીએ. અમે અમારી નીતિઓ હેઠળ ઍક્સેસ નકારી શકીએ છીએ અથવા કોઈ શ્રેણીને સુરક્ષિત રીતે સમર્થન ન આપી શકીએ ત્યાં સુધી તેને મુલતવી રાખી શકીએ છીએ. માત્ર વ્યવસાયની ચકાસણી એજન્ટની પાત્રતાની બાંયધરી આપતી નથી.
વ્યવસાયિક માહિતી સચોટ રાખો
તમે આપેલી માહિતી વ્યવસાયનું સાચું પ્રતિનિધિત્વ કરતી હોવી જોઈએ અને અદ્યતન રાખવી જોઈએ. એજન્ટને ઉત્પાદનો અથવા સેવાઓ, કિંમતો, ઉપલબ્ધતા, લાયકાતો, સમીક્ષાઓ, બાંયધરીઓ અથવા પરિણામો ઉપજાવી કાઢવા માટે સૂચના આપશો નહીં. વપરાશકર્તાના પ્રશ્ન માટે મહત્ત્વપૂર્ણ હોય ત્યારે ફી, શરતો અથવા મર્યાદાઓ છુપાવશો નહીં. તમે તમારા વ્યવસાયનું વર્ણન તમારી પોતાની શૈલીમાં કરી શકો છો, પરંતુ ચોક્કસ દાવાઓથી લોકોને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં. લિંક્સ તમારા વ્યવસાય સાથે સંબંધિત હોવી જોઈએ અને તે ક્યાં લઈ જાય છે તેનું સાચું પ્રતિનિધિત્વ કરતી હોવી જોઈએ
એજન્ટનો સુરક્ષિત રીતે ઉપયોગ કરો
તમારા એજન્ટ અને તેના માટે તમે આપેલી સામગ્રીએ OpenAIની ઉપયોગ નીતિઓનું પાલન કરવું આવશ્યક છે. OpenAIના સુરક્ષા ઉપાયોને અવગણવા અથવા પ્રતિબંધિત પ્રવૃત્તિને સરળ બનાવવા માટે સૂચનાઓ, ઉદાહરણો, વેબસાઇટની સામગ્રી, ફાઇલો, લિંક્સ, ફોર્મ્સ અથવા કનેક્ટ કરેલા ટૂલ્સનો ઉપયોગ કરશો નહીં. ફિશિંગ સાઇટ્સ, મેલવેર અથવા ભ્રામક રીડાયરેક્ટનો ઉપયોગ કરશો નહીં. સંભવિત તબીબી કટોકટી અથવા કોઈ વ્યક્તિ માટેના જોખમ સહિત, વપરાશકર્તાની તાત્કાલિક સુરક્ષા અંગેની ચિંતાને અવગણવા અથવા ઓછી ગંભીર ગણવા માટે એજન્ટને સૂચના આપશો નહીં.
વપરાશકર્તાઓ અને તેમની માહિતીને માન આપો
લોકો પર દબાણ કરવા, ખોટી તાકીદ ઊભી કરવા, નબળાઈનો લાભ લેવા અથવા કોઈ વ્યક્તિ ના પાડે પછી પણ વેચાણ કે ફોલો-અપ માટે વારંવાર આગ્રહ કરવા એજન્ટને ગોઠવશો નહીં. એજન્ટ વૈકલ્પિક ફોલો-અપ સંપર્કની ઓફર કરી શકે છે અને જ્યારે વપરાશકર્તા તે આપવાનું પસંદ કરે ત્યારે મંજૂર સુવિધા દ્વારા જરૂરી સંપર્ક વિગતો એકત્રિત કરી શકે છે. બિનજરૂરી અથવા ઉચ્ચ-જોખમવાળી વ્યક્તિગત માહિતી – જેમાં આરોગ્ય સંબંધિત વિગતો, સંરક્ષિત લક્ષણો, સરકારી ઓળખપત્રો અથવા નાણાકીય કે પ્રમાણીકરણ માટેના ઓળખપત્રોનો સમાવેશ થાય છે – માગશો નહીં અથવા વેચાણની રજૂઆતને વ્યક્તિગત બનાવવા તેનો ઉપયોગ કરશો નહીં. મંજૂર સુવિધા દ્વારા સ્પષ્ટ અધિકૃતતા વિના વપરાશકર્તાની માહિતી તમારા વ્યવસાય સાથે શેર કરવા અથવા વપરાશકર્તા વતી ફોર્મ સબમિટ કરવા, બુકિંગ કરવા કે ખરીદી કરવા એજન્ટને સૂચના આપશો નહીં. વપરાશકર્તા મુલાકાત લેવાનું પસંદ કરે તેવી સંબંધિત લિંક એજન્ટ આપી શકે છે, પરંતુ તે લિંક ક્યાં લઈ જાય છે તે વિશે ખોટી રજૂઆત કરવી નહીં અથવા ડેટા એકત્રિત કરવાના આ નિયમોથી બચવા માટે તેનો ઉપયોગ કરવો નહીં. છેતરપિંડીભર્યા બહાનાઓનો ઉપયોગ કરીને વ્યક્તિગત માહિતી મેળવશો નહીં, જેમાં વપરાશકર્તાઓને ઉચ્ચ-જોખમવાળા ડેટા દર્શાવતી છબીઓ અથવા દસ્તાવેજો અપલોડ કરવાનું કહેવાનો પણ સમાવેશ થાય છે.
એજન્ટની માન્ય ભૂમિકામાં રહો
એજન્ટ વ્યવસાયની ઓફરિંગ્સ સમજાવી શકે છે અને સામાન્ય માહિતી આપી શકે છે, પરંતુ વપરાશકર્તાઓને એવી સલાહ આપવી જોઈએ નહીં જેના માટે કાયદેસર રીતે વ્યાવસાયિક લાઇસન્સ જરૂરી હોય, માનવીય સમીક્ષા વિના ઉચ્ચ-જોખમવાળા નિર્ણયો સ્વચાલિત કરવા નહીં અથવા વ્યાવસાયિક લાયકાત હોવાનો દાવો કરવો નહીં. તેને પરિણામોની ખાતરી આપવા અથવા મંજૂર ક્ષમતાઓ કે વપરાશકર્તાની અધિકૃતતાની મર્યાદાથી આગળનાં પગલાં લેવા સૂચના આપશો નહીં.
નીતિની સમીક્ષા અને અમલીકરણ
તમે એજન્ટ બનાવો ત્યારે અને જ્યારે પણ તેને અપડેટ કરો ત્યારે આ નિયમો લાગુ પડે છે. જો અમને કોઈ ચિંતાજનક બાબત જણાય, તો અમે તમારા એજન્ટને સ્થગિત કરી શકીએ છીએ અથવા દૂર કરી શકીએ છીએ અને તમને ફેરફારો કરવા કહી શકીએ છીએ. અપડેટમાં સમીક્ષાના નિર્ણયોને ટાળવાના બદલે અનુરૂપ ફેરફારો થવા જોઈએ. સમસ્યાના આધારે, અમે સુવિધાઓ મર્યાદિત કરી શકીએ છીએ, એજન્ટને અસ્થાયી રૂપે બંધ કરી શકીએ છીએ અથવા દૂર કરી શકીએ છીએ, અથવા એજન્ટ બનાવવા કે મેનેજ કરવાની વ્યવસાયની ક્ષમતા પર પ્રતિબંધ મૂકી શકીએ છીએ—ખાસ કરીને જ્યારે ચિંતાજનક બાબતો ગંભીર હોય અથવા વારંવાર સામે આવતી હોય. વ્યવસાયો તેઓ આપેલી માહિતી અને સૂચનાઓ માટે જવાબદાર છે. જેમ જેમ અમને વધુ જાણ થાય તેમ તેમ અમે આ નીતિ અપડેટ કરી શકીએ છીએ.