OpenAI
ડાબે અથવા જમણે ખેંચો અથવા વૈજ્ઞાનિક વસ્તુઓના ગોળાને ફેરવવા માટે ઍરો કીનો ઉપયોગ કરો. થોભાવવા અથવા ફરી શરૂ કરવા માટે Space દબાવો.

16 નવેમ્બર, 2026

સંશોધનવિજ્ઞાન

વિજ્ઞાનના સીમાડે

1,800થી વધુ વૈજ્ઞાનિકોએ ChatGPTનો કેવી રીતે ઉપયોગ કર્યો—અને વૈજ્ઞાનિક શોધોમાં AIની ભૂમિકા વિશે તેમની અપેક્ષાઓ શું છે. અમારા નવા અહેવાલનાં તારણો જાણો.

વૈજ્ઞાનિક પ્રગતિ સંશોધકો નવા પ્રશ્નો પૂછે અને તેના જવાબો શોધવાના માર્ગો વિકસાવે તેના પર નિર્ભર છે. AI આ કામનો ભાગ બની રહ્યું છે, પરંતુ તે ક્યાં મદદરૂપ થાય છે અને શોધો પર તેની શું અસર થઈ શકે તે અમે હજુ સમજી રહ્યા છીએ.

OpenAIની આર્થિક સંશોધન ટીમે શૈક્ષણિક સંશોધકો માટેના ChatGPTના ઉનાળાના પ્રાયોગિક કાર્યક્રમમાં 1,819 વૈજ્ઞાનિકોના 580,000થી વધુ વૈજ્ઞાનિક સંદેશાઓનો અભ્યાસ કર્યો અને 251 સહભાગીઓનું સર્વેક્ષણ કર્યું.

વૈજ્ઞાનિકોએ સંશોધન સાહિત્યની સમીક્ષાથી લઈને પુરાવાનું વિશ્લેષણ કરવા અને વિચારો વિકસાવવા સુધીની સમગ્ર સંશોધન પ્રક્રિયામાં ChatGPTનો ઉપયોગ કર્યો. સર્વેક્ષણના સહભાગીઓએ અંદાજ આપ્યો કે AI વિના એ જ કામ સમાન ગુણવત્તા સાથે કરવા 1.9 ગણો સમય લાગ્યો હોત. અને શોધ માટે લાગતા સમય અંગેના અમારા પ્રશ્નનો જવાબ આપનારાઓમાંથી 98%ને અપેક્ષા હતી કે AI તેમના ક્ષેત્રમાં શોધોને વેગ આપશે.

મૂળભૂત વ્યવસ્થા મુજબ, OpenAI શૈક્ષણિક સંશોધકો માટેના ChatGPT કાર્યક્રમના સહભાગીઓની માહિતીનો ઉપયોગ પોતાનાં મોડલોને તાલીમ આપવા કરતું નથી. સંશોધકોની ગોપનીયતા જાળવવા, અમે સંદેશાઓને સંશોધન પ્રવૃત્તિના પ્રકાર પ્રમાણે—જેમ કે સાહિત્યની સમીક્ષા, કોડ લેખન અથવા માહિતીનું વિશ્લેષણ—ગોઠવવા સ્વચાલિત વર્ગીકરણ સાધનોનો ઉપયોગ કર્યો. સંશોધન ટીમ આ શ્રેણીઓ જોઈ શકતી હતી, પરંતુ તેણે મૂળ સંદેશાઓ કે ChatGPTના જવાબો વાંચ્યા નહોતા.

AI વૈજ્ઞાનિકોના રોજિંદા કામનો ભાગ છે

અમે સંશોધનની સમગ્ર પ્રક્રિયામાં વૈજ્ઞાનિકોએ ChatGPTનો કેવી રીતે ઉપયોગ કર્યો તેનો અભ્યાસ કર્યો.

દરેક વૈજ્ઞાનિકના વૈજ્ઞાનિક સંદેશાઓમાં દરેક પ્રવૃત્તિનો હિસ્સો ગણ્યો અને પછી દરેક વૈજ્ઞાનિકને સમાન ભારાંક આપીને આ હિસ્સાઓની સરેરાશ કાઢી. ટકાવારી નજીકના પૂર્ણાંકમાં દર્શાવેલી છે; અન્ય સંશોધન પ્રવૃત્તિઓનો હિસ્સો 1%થી ઓછો હતો.

68% વૈજ્ઞાનિકોએ સંશોધનના વિચારો વિકસાવવા ChatGPTનો ઉપયોગ કર્યો

અમે જોયું કે વૈજ્ઞાનિકોએ વિચારમંથન માટે ChatGPTનો કેવી રીતે ઉપયોગ કર્યો. નીચેના આંકડા સંશોધનના વિચારો વિશેના તેમના સંદેશાઓ દર્શાવે છે.

વૈજ્ઞાનિકની આગેવાનીમાં

35%

કિસ્સાઓમાં વૈજ્ઞાનિકોએ ChatGPTને કામ કરવા માટે ચોક્કસ પ્રશ્ન આપ્યો.

સાથે મળીને વિકસાવેલા

36%

કિસ્સાઓમાં વૈજ્ઞાનિકોએ પોતાનો વિચાર રજૂ કરીને ChatGPTને તેને સુધારવા કહ્યું.

ChatGPTએ સૂચવેલા

23%

કિસ્સાઓમાં વૈજ્ઞાનિકોએ ChatGPTને સંશોધન માટેનો પ્રશ્ન સૂચવવા કહ્યું.

અન્ય

6%

સંદેશને અન્ય કોઈ પ્રવૃત્તિમાં વર્ગીકૃત કરી શકાયો નહીં.

સર્વેક્ષણમાં ભાગ લેનારા 98% વૈજ્ઞાનિકોને અપેક્ષા છે કે AI તેમના ક્ષેત્રમાં શોધોને વેગ આપશે.

અમે વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકોને એવી શોધની કલ્પના કરવા કહ્યું જેમાં AI વિના 10 વર્ષ લાગે, અને AI સાથે તેમાં કેટલો સમય લાગશે તેનો અંદાજ પૂછ્યો.

250 ઉત્તરદાતાઓએ આ પ્રશ્નનો જવાબ આપ્યો. ઉત્તરદાતાઓ એકથી વધુ ક્ષેત્રો પસંદ કરી શકતા હતા, તેથી એક જ વ્યક્તિ જુદા જુદા ક્ષેત્રસમૂહોમાં સામેલ હોઈ શકે છે. ટકાવારી નજીકના પૂર્ણાંકમાં દર્શાવેલી છે અને તેનો સરવાળો 100% ન પણ થાય.

ChatGPTને કાર્યો સોંપ્યા પછી પણ વૈજ્ઞાનિકો કામમાં જોડાયેલા રહે છે

વિવિધ સંશોધન પ્રવૃત્તિઓમાં વૈજ્ઞાનિકોએ ChatGPTના જવાબો અંગે સ્પષ્ટતા મેળવવા, તેમને ચકાસવા કે સુધારવા કેટલી વાર આગળ સંવાદ કર્યો તે અમે માપ્યું.

દરેક વૈજ્ઞાનિકની વિનંતીઓમાંથી જે પછી આગળ સંવાદ થયો હોય તેની સરેરાશ ટકાવારી.

AI વૈજ્ઞાનિક પ્રગતિને કેવી રીતે આગળ વધારી શકે?

અમે વધુ ઝડપી શોધની અપેક્ષા રાખતા વૈજ્ઞાનિકોને તેનું કારણ સમજાવવા કહ્યું. તેમના જવાબોમાં ત્રણ કારણો મુખ્ય હતાં.

52%

સંશોધન વધુ ઝડપથી પૂર્ણ કરવું

23%

સંશોધન માટે વધુ આશાસ્પદ પ્રશ્નો શોધવા

14%

વધુ વૈવિધ્યસભર પ્રશ્નો પર સંશોધન કરવું

11%

અન્ય

વૈજ્ઞાનિકો એકથી વધુ કારણો આપી શકતા હતા. ટકાવારી 224 લેખિત જવાબોમાં ઓળખાયેલાં કુલ 367 કારણોમાંથી દરેકનો હિસ્સો દર્શાવે છે.

આગળની દિશા

આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ વિચારોની છણાવટ કરવા, પુરાવાનું વિશ્લેષણ કરવા, કોડ લખવા અને તેમનાં તારણો રજૂ કરવા ChatGPTનો ઉપયોગ કર્યો. તેમના જવાબો સમય બચાવવાથી આગળની મહત્ત્વાકાંક્ષાઓ પણ દર્શાવે છે: વધુ આશાસ્પદ પ્રશ્નો શોધવા અને વધુ વૈવિધ્યસભર સંશોધન હાથ ધરવું.

આ અપેક્ષાઓ ખરેખર વધુ ઝડપી શોધો તરફ દોરી જાય છે કે નહીં તે સમજવા વધુ સંશોધનની જરૂર પડશે. પ્રગતિ વૈજ્ઞાનિકોને પોતાના વિચારો ચકાસવા માટે જરૂરી ભંડોળ, કર્મચારીઓ અને પ્રયોગો કરવાની ક્ષમતા પર પણ નિર્ભર રહેશે.

અમે વધુ વૈજ્ઞાનિકોને તેમના કામમાં AI શું શક્ય બનાવી શકે તે શોધવા સક્ષમ બનાવવા માગીએ છીએ. આ સંશોધનની સાથે, અમે શૈક્ષણિક સંશોધકો માટે ChatGPT⁠નો વિસ્તાર કરી રહ્યા છીએ, જેથી વિશ્વભરના 200,000થી વધુ સંશોધકો તેનો મફત ઉપયોગ કરી શકે. AGIનો લાભ સમગ્ર માનવજાતને મળે તે સુનિશ્ચિત કરવાના અમારા ધ્યેયમાં વૈજ્ઞાનિકોને તેમના વિચારોને જીવન સુધારતી શોધોમાં ફેરવવામાં મદદ કરવી કેન્દ્રસ્થાને છે.

“ChatGPT જેવાં સાધનો અમને વૈજ્ઞાનિક શોધોને વેગ આપવામાં મદદ કરી રહ્યાં છે. મારા જેવા વૈજ્ઞાનિક માટે તો આ મનભર પ્રયોગો કરવાની જગ્યા છે.”

સેઝાર દે લા ફુએન્તે

સૂક્ષ્મજીવવિરોધી સંશોધન⁠

સંશોધન વિશે