પ્રેમસંબંધના નામે છેતરપિંડી: કૃત્રિમ બુદ્ધિની મદદથી ચાલતી કાર્યપ્રક્રિયાઓ
OpenAIએ પ્રેમસંબંધના નામે છેતરપિંડીમાં સંપર્ક, અનુવાદ, પીડિતો સાથે વાતચીત અને રોકાણની લાલચ માટે કૃત્રિમ બુદ્ધિ વાપરતાં ખાતાં પર પ્રતિબંધ મૂક્યો.
આ કેસનો અભ્યાસ મૂળરૂપે OpenAIના ફેબ્રુઆરી 2026ના(નવી વિન્ડોમાં ખૂલે છે) કૃત્રિમ બુદ્ધિના દુરુપયોગને અટકાવવા અંગેના અહેવાલમાં પ્રકાશિત થયો હતો.
અમારા મોડલનો દુરુપયોગ કરવા મથતી ઠગ ટોળકીઓની કામગીરી અટકાવવાના અમારા પ્રયાસો વિશે અમે એક વર્ષ પહેલાં(નવી વિન્ડોમાં ખૂલે છે) અહેવાલ આપવાનું શરૂ કર્યું. ત્યારથી અમે વિશ્વના જુદા જુદા ભાગોમાં ચાલતી ઘણી છેતરપિંડીની કામગીરી બંધ કરાવી છે. તેમાં “નાનાં કામો”ના નામે થતી છેતરપિંડી સામેલ હતી, જેમાં સાવ સામાન્ય કામોની કાલ્પનિક કમાણી મેળવવા માટે પહેલાં પૈસા જમા કરાવવા પીડિતોને મનાવવામાં આવે છે. તેમાં રોકાણના નામે થતી છેતરપિંડી પણ હતી, જેમાં અસ્તિત્વમાં જ ન હોય તેવી રોકાણ કંપનીઓમાં પૈસા મૂકવા પીડિતોને મનાવવામાં આવે છે.
કૃત્રિમ બુદ્ધિના આગમનના ઘણા સમય પહેલાંથી પ્રચલિત છેતરપિંડીનો એક પ્રકાર છે પ્રેમસંબંધના નામે છેતરપિંડી. તેમાં ઠગો સંભવિત પ્રેમસાથી હોવાનો ઢોંગ કરે છે અને નિશાન બનાવેલી વ્યક્તિને તેનો સાચો પ્રેમ મળી ગયો હોવાનું મનાવવાનો પ્રયાસ કરે છે. પછી તેઓ તેની પાસે સતત વધુ ને વધુ પૈસા માગે છે. છેતરપિંડી અટકાવવા અંગેના અમારા પ્રથમ પ્રકાશિત અહેવાલમાં કંબોડિયામાં નવી શરૂ થયેલી એક ગુનાહિત કામગીરીનો ઉલ્લેખ હતો. તેણે પ્રેમસંબંધના નામે છેતરપિંડીના સંદેશા બનાવવા ChatGPTનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી કેટલાક સામાજિક માધ્યમો પર ફેલાવવામાં આવ્યા હતા. ત્યારથી અમે પ્રેમસંબંધના નામે છેતરપિંડીના અનેક પ્રયાસો અટકાવ્યા છે. અમે જૂનમાં(નવી વિન્ડોમાં ખૂલે છે) લખ્યું હતું તેમ, આ અને અન્ય પ્રકારની છેતરપિંડીમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ સામાન્ય રીતે એક સરખી પદ્ધતિથી થાય છે. અમે તેને પ્રથમ સંપર્ક (અજાણી વ્યક્તિનો સંપર્ક સાધવો), ભાવનાત્મક ખેંચાણ (લાગણી જગાવવી) અને નાણાં પડાવવાં એમ ત્રણ તબક્કામાં સમજીએ છીએ.
પ્રથમ સંપર્ક (અજાણી વ્યક્તિનો સંપર્ક સાધવો): ઠગ સંભવિત પીડિતના રસના વિષયોને અનુરૂપ સામગ્રી બનાવે છે, જેથી તેનું ધ્યાન ખેંચી શકાય. ઉદાહરણ તરીકે, ગયા વર્ષે અમે જે “વિશ્વાસ કેળવીને લૂંટ” કરતી છેતરપિંડીનો અહેવાલ આપ્યો હતો, તે વારંવાર તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ચાલીસથી ઓગણપચાસ વર્ષની વયના અમેરિકન પુરુષોને નિશાન બનાવતી હતી. તે માટે ઠગો તેમની ગોલ્ફ વિશેની સામાજિક માધ્યમોની પોસ્ટનો જવાબ આપતા હતા. અન્ય ટોળકીઓએ અજાણ્યાઓને મોકલેલા એસએમએસ, નકલી ભરતીના સંદેશા અથવા અમારા સૌથી તાજેતરના પ્રેમસંબંધના નામે છેતરપિંડીના કિસ્સામાં (જેનું વર્ણન નીચે છે) સામાજિક માધ્યમોની જાહેરાતોનો ઉપયોગ કર્યો હતો. દરેક કિસ્સામાં, દુર્ભાવનાપૂર્ણ તત્ત્વોએ એવા સંદેશા બનાવવા ChatGPTનો ઉપયોગ કર્યો હતો જે પરંપરાગત છેતરપિંડીના સંદેશા કરતાં વધુ રસપ્રદ લાગે અને જેમાં લખનારની ભાષા પરની નબળી પકડ એટલી સહેલાઈથી ન પકડાય.

2025માં અમે જેનો અહેવાલ આપ્યો હતો તે “વિશ્વાસ કેળવીને લૂંટ” કરતી ટોળકીનો ગોલ્ફને લગતો પ્રારંભિક સંદેશ. તે આ કામગીરી સાથે સંબંધ ન ધરાવતા વપરાશકર્તાની ફેસબુક પોસ્ટના જવાબમાં મોકલાયો હતો.
ભાવનાત્મક ખેંચાણ (લાગણી જગાવવી): ઠગ એવી સામગ્રી બનાવે છે જે નિશાન બનાવેલી વ્યક્તિમાં તીવ્ર લાગણીઓ જગાવે, જેથી તેને પોતાની ઇચ્છા મુજબ દોરવી વધુ સરળ બને. પ્રેમસંબંધના નામે થતી છેતરપિંડીમાં નિશાન બનાવેલી વ્યક્તિને ઠગ પ્રત્યે આકર્ષિત કરવાનો પ્રયાસ થાય છે. અન્ય પ્રકારની છેતરપિંડીમાં સંભવિત નફાકારક સોદા વિશે ઉત્સાહ જગાવવો, તક ગુમાવવાનો ડર ઊભો કરવો અથવા કથિત કાનૂની જોખમ કે બાકી બિલ વિશે ગભરાટ ફેલાવવો સામેલ હોઈ શકે છે. ક્યારેક પ્રથમ સંપર્કના સંદેશામાં જ ભાવનાત્મક ખેંચાણ ઊભું કરવાનો પ્રયાસ પણ સામેલ હોય છે.

જૂન 2025માં અમે ખુલ્લી પાડેલી “ખોટો નંબર” છેતરપિંડીની કામગીરીનો અજાણી વ્યક્તિને મોકલાયેલો એસએમએસ. તેમાં ઓછા કામ બદલ અવિશ્વસનીય રીતે ઊંચી કમાણીની વિગતો છે, જે સંભવતઃ “ભાવનાત્મક ખેંચાણ” ઊભું કરવા માટે ઉમેરાઈ હતી.
નાણાં પડાવવાં: ઠગ એવી સામગ્રી બનાવે છે જે નિશાન બનાવેલી વ્યક્તિને પૈસા આપી દેવા મનાવે. તે માટે આપવામાં આવતાં કારણો ખૂબ જ અલગ અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, પ્રેમસંબંધના નામે થતી છેતરપિંડીમાં નિશાન બનાવેલી વ્યક્તિને તેના પ્રિયજનના ધંધામાં રોકાણ કરવા અથવા આર્થિક સંકટમાંથી બહાર નીકળવા પૈસા આપવા કહેવામાં આવી શકે છે. “નાનાં કામો”ના નામે થતી છેતરપિંડીમાં નિશાન બનાવેલી વ્યક્તિને પોતાની કમાણી હોવાનો ભાસ કરાવેલા (કાલ્પનિક) પૈસા મેળવવા પહેલાં પૈસા જમા કરાવવાનું કહેવામાં આવે છે. રોકાણની છેતરપિંડીમાં નિશાન બનાવેલી વ્યક્તિઓને અસ્તિત્વમાં જ ન હોય તેવી રોકાણ યોજનાઓમાં પૈસા મૂકવા કહેવામાં આવે છે.

જૂન 2025માં અમે ખુલ્લી પાડેલી “ખોટો નંબર” છેતરપિંડીની કામગીરીનો અજાણી વ્યક્તિને મોકલાયેલો એસએમએસ. તેમાં ઓછા કામ બદલ અવિશ્વસનીય રીતે ઊંચી કમાણીની વિગતો છે, જે સંભવતઃ “ભાવનાત્મક ખેંચાણ” ઊભું કરવા માટે ઉમેરાઈ હતી.
આ ક્રમ સૂચવે છે તેમ, લોકો સુધી સંદેશા પહોંચાડવાનું જાળું છેતરપિંડીનો એક આવશ્યક ભાગ છે. અમે ખુલ્લી પાડેલી વિવિધ ઠગ ટોળકીઓએ એસએમએસ, કૂટલેખિત સંદેશાવ્યવહારની ઍપ, સામાજિક માધ્યમોની પોસ્ટ, ઑનલાઇન જાહેરાતો અથવા આ બધાંના સંયોજનથી પ્રથમ સંપર્કના સંદેશા મોકલ્યા હતા. કૃત્રિમ બુદ્ધિ પહેલાંના યુગની છેતરપિંડીમાં ઈમેઇલ(નવી વિન્ડોમાં ખૂલે છે), ફોન કૉલ(નવી વિન્ડોમાં ખૂલે છે) અને છેક ઓગણીસમી સદીમાં તો પત્રો(નવી વિન્ડોમાં ખૂલે છે) અને તાર(નવી વિન્ડોમાં ખૂલે છે)નો ઉપયોગ પણ થતો હતો, જે કુખ્યાત છે. ઘણી ઠગ ટોળકીઓ આડેધડ મોટી સંખ્યામાં લોકોને સંદેશા મોકલે છે, પરંતુ કેટલીક ચોક્કસ લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરતી જણાય છે. ઉદાહરણ તરીકે, અમે ફેબ્રુઆરી 2025માં જેનો અહેવાલ આપ્યો હતો(નવી વિન્ડોમાં ખૂલે છે) તે “વિશ્વાસ કેળવીને લૂંટ” કરતી છેતરપિંડી ગોલ્ફ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. અન્ય એક પ્રેમસંબંધના નામે થતી છેતરપિંડીમાં ઇન્ડોનેશિયાના યુવાનોને નિશાન બનાવવા સામાજિક માધ્યમોની જાહેરાતોનો ઉપયોગ થયો હતો. જ્યારે ખ્યાતનામ વ્યક્તિના નામે થતી છેતરપિંડી(નવી વિન્ડોમાં ખૂલે છે)માં સામાન્ય રીતે કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોવાનો ઢોંગ કરીને તેના ચાહક જૂથોને નિશાન બનાવવામાં આવે છે. પુરાવા છૂટકછવાયા હોવાથી અમે અટકાવેલી વિવિધ છેતરપિંડીની વિશ્વસનીય સરખામણી કરવી મુશ્કેલ છે. તેમ છતાં, અમારું આકલન છે કે સંદેશા પહોંચાડવાની પસંદ કરેલી પદ્ધતિ (જેમ કે આડેધડ સૌને મોકલવા કે ચોક્કસ લોકોને નિશાન બનાવવા) દરેક છેતરપિંડીમાં પીડિતો સુધી સફળતાપૂર્વક પહોંચવા અને તેમનું શોષણ કરવાની ક્ષમતા પર નોંધપાત્ર અસર કરે છે. વિવિધ કાર્યો માટે કૃત્રિમ બુદ્ધિનો કેટલો ઉપયોગ થયો હતો તેનાથી આ બાબત બદલાતી નથી.


